માહિતી અધિકારના કાયદા મુજબ “માહિતી” એટલે શું?
કોઈપણ સામગ્રી તે કોઈપણ સ્વરૂપમાં હોય. રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઈમેઈલ, અભિપ્રાય, સવાહૂ, પ્રેસ રીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઈલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઈપણ પ્રાઈવેટ બોડી અંગેની જાહેર સત્તામંડળની પહોંચમાં આવતી માહિતી. માહિતીના અધિકારમાં સરકાર પાસેની તથા તેની પહોંચમાં હોય તેવી તમામ માહિતી ઉપરાંત તેને સંલગ્ન તમામ રેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણી કરવાનો તેની નોંધ લેવાનો, કે તેનો કોઈ ભાગ દસ્તાવેજ, રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.
Intro: માહિતી મેળવવાના સાધનો કયા કયા છે?
કેન્દ્ર સરકાર માટે : rtionline.gov.in પર જઈને ઓનલાઇન અરજી દાખલ કરી શકાય છે.
રાજ્ય સરકાર માટે : દરેક રાજ્યની RTI પોર્ટલ અલગ અલગ છે, તે મુજબ યોગ્ય અરજી દાખલ કરી શકાય છે.
ખાસ નોંધ : કોઈપણ તબક્કે તમને એવું લાગે કે તમારા માહિતીના અધિકારને કોઈપણ રીતે અવરોધવામાં આવી રહ્યો છે, કે અરજી પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે તો તમે રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નરને કાયદાની કલમ ૧૮(૧)(૨) મુજબ સીધી ફરિયાદ કરી શકો છો.
કાયદાના અર્થઘટન માટે મૂળ કાયદાનો આધાર લેવો.
પંચાયતો જેવી સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ સાથે લોકો સીધા જોડાયેલા હોય છે. અસરકારક લોકશાહી માટે સ્થાનિક સ્વશાસનમાં લોકભાગીદારી ખુબ અગત્યની છે. ગ્રામસભાના દરેક સભ્યને પંચાયત સભાની મીટિંગ મીનિટ્સ, ગ્રામસભાની મીટિંગ મીનિટ્સ, પંચાયતના હિસાબોની તપાસણી, બી.પી.એલ. યાદી, વાર્ષિક આયોજન, વાર્ષિક વહીવટી રિપોર્ટ વગેરે વિશે માહિતી મેળવવાનો અધિકાર છે.
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ
દરેક સરકારી સંસ્થાઓની જવાબદારી છે કે તેઓ તેમની કામગીરી વિશેની માહિતી જાહેર કરે. આ કાયદા હેઠળ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતે અમુક માહિતી પોતાની મેળે જાહેર કરવાની છે.
જેવી કે,
- પંચાયતના કાર્યો ફરજો અને સત્તાઓ કાર્યો કરવા માટેના નિયમો, પરિપત્રો અને માર્ગદર્શિકાઓ.
- પંચાયતની ઓફિસમાં ઉપલબ્ધ હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજોની યાદી (જેવા કે પહાણીપત્રક, ગામ નમૂના-૬ ૧ જન્મ-મરણનું નોંધ રજિસ્ટર).
- પંચાયતથી અમલીકરણ થતી વિકાસલક્ષી યોજનાઓ, યોજનાઓ માટે પસંદ થયેલ લાભાર્થીઓની યાદી, આવેલ ફંડ તથા ખર્ચ થયેલ ફંડ.
- ગ્રામ પંચાયતનાં કાર્યમાં નિર્ણય લેવાની પ્રક્રિયા.
- દરેક પંચાયતોનું વાર્ષિક આયોજન અને અંદાજિત ખર્ચ પંચાયત દ્વારા આપવામાં આવેલ રાહતો અને પરવાનગીઓની યાદી
શું તમે જાણો છો?
- તમારી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કઈ કઈ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે ?
- યોજનાઓના અમલ માટે કેટલું ફંડ આવ્યું અને તેમાંથી કેટલો ખર્ચ ક્યાં અને કેવી રીતે થયો?
- ઈન્દિરા આવાસ યોજના માટે ક્યા લાભાર્થીઓની પસંદગી થઈ ?
- તેનાં ધારાધોરણો શું હતા?
- આ પંચાયતોની વાર્ષિક આવક-જાવક કેટલી છે? ગ્રામપંચાયતમાં વેરાની આવક કેટલી થઈ ?
- વાર્ષિક આવકમાંથી કેટલો ખર્ચ કેવા પ્રકારનાં કામો પાછળ કરવામાં આવ્યો ?
- દર મહિને થતી પંચાયતની મીટિંગના એજન્ડા શું હતા અને તે સંદર્ભે કયા ઠરાવો થયા છે ?
- ગ્રામસભાએ ઠરાવેલા કામો પૈકી કેટલાં કામ થયાં ? જે કામો નથી થયાં તેનાં કારણો શું છે ? અને તે માટે જવાબદાર કોણ છે ? હવે તે કામો ક્યારે હાથ ધરાશે ?
- બી.પી.એલ. અને અંત્યોદય યોજનાના લાભાર્થી તરીકે કોની-કોની પસંદગી થઈ છે ? તેની વોર્ડવાર યાદી.
નાગરિકો માટે માહિતી મેળવવાની વ્યવસ્થા પંચાયતના જાહેર માહિતી અધિકારીનું નામ, અપીલીય અધિકારીનું નામ, હોદ્દો વગેરે પંચાયત ઓફિસની બહાર દેખાય તે રીતે લખેલું હોવું જોઈએ.
- તમને પંચાયતોની સઘળી માહિતી મેળવવાનો સંપૂર્ણપણે અધિકાર છે.
- પંચાયતના કોઈ રજિસ્ટર કે દસ્તાવેજની પ્રમાણિત નકલ.
- પંચાયત ઓફિસની કોઈ ફાઈલ કે રેકર્ડની નોંધ કે પ્રમાણિત નકલ.
- ગ્રામ પંચાયત દ્વારા થતા કામોની તપાસ.
- કોઈ સામગ્રી કે નમૂનાની પ્રમાણિત નકલ.
- માહિતી મેળવવાની અરજી જાહેર માહિતી અધિકારીને કરવાની હોય છે. આ કાયદાના અમલથી દરેક સરકારી વિભાગમાં જાહેર માહિતી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
માહિતી અધિકાર ના કાયદા હેઠળ અરજી કેવી રીતે કરવી જોઈએ?
અરજી છાપેલા કે ટાઈપ કરેલા નમૂનામાં કરવી ફરજિયાત નથી. સાદા કાગળ ઉપર હસ્તલિખિત અરજી પણ કરી શકાય છે.
- અરજી દીઠ રૂા. ૨૦/- અરજી ફી ચૂકવવાની રહેશે.
- અરજી ફી રોકડમાં, ડિમાન્ડ ડ્રાફટ અથવા પે-ઓર્ડર કે નોન જ્યુડિશ્યલ સ્ટેમ્પ પેપર દ્વારા અદા કરી શકાય છે.
- બી.પી.એલ. પરિવારના સદસ્યને કોઈપણ પ્રકારની ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
- જે કોઈ અરજદારે મુક્તિ આપવામાં આવી હોય તેને અરજી સાથે રેશનકાર્ડની કે બી.પી.એલ. પ્રમાણપત્રની નકલ જોડવાની રહે છે.
- અરજી રૂબરૂ, રજિસ્ટર પોસ્ટ કે ઈ-મેઈલથી મોકલી શકાય છે.
- માહિતી માંગતી વખતે માહિતી શા માટે જોઈએ છે તેનું કારણ આપવાની જરૂર નથી.
- સામાન્ય રીતે અરજી આપ્યાના ૩૦ દિવસની અંદર માહિતી પૂરી પાડવા જાહેર માહિતી અધિકારી બંધાયેલા છે.
- માહિતી જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્યને લગતી હોય ત્યારે ૪૮ કલાકમાં આપવી જોઈએ.
- દેશની સુરક્ષાને નુકશાન થતું હોય,
- કોઈ અપરાધ થવાની શક્યતા હોય,
- અદાલત દ્વારા મનાઈ કરવામાં આવી હાય,
- કોઈના જીવનને ખતરો હોય,
- અપરાધ સંબંધી તપાસમાં મુશ્કેલી ઊભી થાય કે,
- વ્યક્તિગત માહિતી હોય.
- રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત માહિતી.
- જાહેર હિત સાથે સંબંધિત નથી.
- વેપાર રહસ્યો અને બૌદ્ધિક સંપત્તિ સંબંધિત માહિતી.
પંચાયત | જાહેર માહિતી અધિકારી | અપીલિય અધિકારી |
---|---|---|
ગ્રામ પંચાયત | તલાટી | મદદનીશ તાલુકા વિકાસ અધિકારી |
તાલુકા પંચાયત | મદદનીશ તાલુકા વિકાસ અધિકારી | તાલુકા વિકાસ અધિકારી |
જિલ્લા પંચાયત | નાયબ જિલ્લા વિકાસ અધિકારી | જિલ્લા વિકાસ અધિકારી |
Welcome to the lexedge, please don't spam in comments.