₹14 લાખની 'ગિફ્ટ' પડી ભારે: અમરેલી સાયબર ફ્રોડ કેસમાં નાઈજીરિયન મહિલાને 7 વર્ષની જેલ.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથેની દોસ્તી કેટલી મોંઘી પડી શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે. 23 જાન્યુઆરી, 2026 ના રોજ અમરેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા ₹14.09 લાખની સાયબર છેતરપિંડી કરનાર નાઈજીરિયન મહિલા વેરોનિકા એન્ડ્રુને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ કેસ માત્ર સજા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ માટે ગુજરાત પોલીસનો એક કડક સંદેશ છે.
🚨અમરેલી સાયબર ફ્રોડ કેસની હકીકત |case details
ફરિયાદીના મોબાઈલ ઉપર અન્ય બે મોબાઈલ નંબર ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફરીયાદી સાથે અવાર નવાર મેસેજમાં વાતો કરી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ફરીયાદીને મોટી રકમની ગીફટની લાલચ આપી બાદ આ ગીફટ દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે.
જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે તેમ ફરીયાદીને અવાર નવાર ફોન તથા ટેકસ મેસેજીસ કરી તેમજ ફરીયાદીને કુરીયર કંપનીનાઓએ ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો ટેકસ તેમજ કસ્ટમ ડયુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફટનું પાર્સલ છોડાવવા માટે ફરીયાદીના એસ.બી.આઈ. એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન દવારા કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી ફરીયાદીનો વિશ્વાસ સંપાદન કરી તેમજ વિશ્વાસઘાત અને ઠગાઈ કરી ગુન્હો કરવામાં આવેલો.
ફરિયાદીએ અમરેલી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી વિરૂધ્ધ ભારતીય ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ-૪૦૬, ૪૨૦,૪૬૭,૪૬૮,૪૭૧ તથા આઈ.ટી.એકટની કલમ-૬૬(ડી) મુજબના ગુનાની ફરીયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ,૦૦૧૦/૨૦૨૩ થી નોંધવામાં આવેલ અને અમરેલી સાયબર પોલીસ દ્વારા ગુન્હાની તપાસ હાથ ધરેલી અને તપાસનાં અંતે આરોપી વિરૂધ્ધ ગુન્હો બનતો હોય, ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૧૭૩(૨) મુજબનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા.
અમરેલીના ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ એસ. આર. વકાલિયા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી VERONICA ANDREW ANNIKA LETHABO ને નીચે મુજબના પુરાવા ધ્યાનમાં લેવામાં આવ્યા અને સજા સંભળાવી હતી.
કેટલા પ્રકારના પુરાવા લેવામાં આવ્યા હતા.
(૧) દસ્તાવેજી પુરાવા (documentary evidence):
સરકારી વકીલ દ્વારા કોર્ટમાં કુલ ૧૪૨ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓમાં બેંક સ્ટેટમેન્ટ્સ, ટ્રાન્ઝેક્શનની વિગતો અને નકલી દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
(૨) સાક્ષીઓની જુબાની:
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પ્રોસિક્યુશન દ્વારા ૧૧ જેટલા મહત્વના સાક્ષીઓની ઉલટતપાસ અને જુબાની લેવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિ, તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અને સાયબર નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
(૩) ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા (સૌથી મહત્વના):
સાયબર ક્રાઈમ હોવાથી આ પુરાવાઓ કેસ જીતવા માટે પાયારૂપ બન્યા હતા:
- FSL રિપોર્ટ: ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા આરોપીના મોબાઈલ અને લેપટોપનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું, જેણે ગુનામાં તેની સંડોવણીની પુષ્ટિ કરી હતી.
- IP એડ્રેસ અને લોગ્સ: આરોપી જે ઈન્ટરનેટ અને ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી તેના IP એડ્રેસ અને લોગિન વિગતો કોર્ટમાં રજૂ કરાઈ હતી.
- CDR અને SDR: કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) દ્વારા સાબિત થયું કે આરોપી હરિયાણાના ગુરુગ્રામથી ઓપરેટ કરતી હતી.
- સોશિયલ મીડિયા ચેટ્સ: ભોગ બનનાર અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ અને ડિજિટલ રેકોર્ડ્સ
(૪) જપ્ત કરાયેલ મુદ્દામાલ (physical evidence):
પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી નીચેની વસ્તુઓ મળી આવી હતી જે પુરાવા તરીકે લેવાઈ હતી:
- ૬ મોબાઈલ ફોન અને ૧ લેપટોપ.
- નકલી પાસપોર્ટ: દક્ષિણ આફ્રિકાનો એક નકલી પાસપોર્ટ જેના આધારે તેણે ભારતમાં સિમ કાર્ડ અને બ્રોડબેન્ડ કનેક્શન લીધા હતા.
- બનાવટી દસ્તાવેજો: અન્ય વ્યક્તિઓના નામે મેળવેલા સિમ કાર્ડના ડોક્યુમેન્ટ્સ.
અમરેલીના જજ એસ. આર. વકાલીયાએ પોતાના ચુકાદામાં એ બાબત પર ભાર મૂક્યો હતો કે:
(૧) આરોપીએ ભારતની ધરતી પર રહીને ભારતીય નાગરિક સાથે છેતરપિંડી કરી.
(૨) વિદેશી નાગરિક હોવા છતાં દેશની કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો.
(૩) તેથી, તેને "Deterrent Punishment" (સમાજમાં દાખલો બેસે તેવી સજા) મળવી જોઈએ, જે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓનો મૂળભૂત આત્મા છે.
કોર્ટનો ચુકાદો અને કાયદાકીય કલમો
અમરેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. આર. વકાલીયાએ પુરાવાઓને આધારે આકરો નિર્ણય લીધો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આવી ગેંગ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવે
- છેતરપિંડી IPC કલમ 420 મિલકત પડાવી લેવા માટે છેતરપિંડી
- બનાવટી દસ્તાવેજો IPC કલમ 467, 468 કિંમતી જામીનગીરી અને રેકોર્ડમાં ચેડાં
- બનાવટી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ IPC કલમ 471 નકલી દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવા
- સાયબર ગુનો IT એક્ટ કલમ 66(D) કોમ્પ્યુટર રિસોર્સ દ્વારા ઓળખ બદલી છેતરપિંડી
શું હુકમ:-
- આ કામના આરોપી VERONICA ANDREW ANNIKA LETHABO ને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-ર૪૮(૨) અન્વયે ઈ.પી.કો. કલમ-૪૨૦,૪૬૭,૪૬૮,૪૭૧ તથા આઈ.ટી. એકટની કલમ-૬૬ (ડી) ના કામે તકસીરવાન ઠરાવી નીચે મુજબ સજાનો હુકમ કરવામાં આવે છે.
- કિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૪૮(૨) અન્વયે ઈ.પી.કો. કલમ-૪૨૦ ના ગુના સબબ ૦૭ (સાત)વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૩૦૦૦/- અંકે રૂપીયા ત્રણ હજાર પુરા નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. જો દંડ ન ભરે તો વધુ ૦૨ (બે માસ)ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.
- ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૪૮(૨) અન્વયે ઈ.પી.કો. કલમ-૪૬૭ ના ગુના સબબ ૦૨ (બે) વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૨૦૦૦/- અંકે રૂપીયા બે હજાર પુરા નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. જો દંડ ન ભરે તો વધુ ૦૧ (એક માસ)ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.
- ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૪૮(૨) અન્વયે ઈ.પી.કો. કલમ-૪૬૮ ના ગુના સબબ ૦૧(એક) વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૧૦૦૦/- અંકે રૂપીયા એક હજાર પુરા નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. જો દંડ ન ભરે તો વધુ ૦૧ (એક માસ)ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.
- ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૪૮(૨) અન્વયે ઈ.પી.કો. કલમ-૪૭૧ ના ગુના સબબ ૦૧(એક) વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૧૦૦૦/- અંકે રૂપીયા એક હજાર પુરા નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. જો દંડ ન ભરે તો વધુ ૦૧ (એક માસ)ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.
- ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૪૮(૨) અન્વયે આઈ.ટી. એકટની કલમ-૬૬(ડી) ના ગુના સબબ ૦૩ (ત્રણ) વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૩૦૦૦/- અંકે રૂપીયા ત્રણ હજાર પુરા નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. જો દંડ ન ભરે તો વધુ ૦૧ (એક માસ)ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.
⚖️અમરેલી સાયબર ફ્રોડ કેવી રીતે રચાયું છેતરપિંડીનું જાળ? | Modus operandi
આ આખો કેસ 'સોશિયલ એન્જિનિયરિંગ' અને લોકોની લાગણીઓ સાથે રમવાનો છે. સાવરકુંડલાના પિયુષભાઈ ઠુમ્મર નામના યુવાન સાથે જૂન 2023માં ઈન્સ્ટાગ્રામ પર આ મહિલાએ મિત્રતા કરી હતી. તેણે પોતાની ઓળખ લંડનની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આપી હતી.
છેતરપિંડીના તબક્કા:
- મિત્રતા અને લાલચ: વિશ્વાસ જીત્યા પછી, મહિલાએ ભારત મોંઘી 'સરપ્રાઈઝ ગિફ્ટ' મોકલવાનો દાવો કર્યો.
- ફેક કોરિયરનો સંપર્ક: ત્યારબાદ 'સ્કાય એલિટ લોજિસ્ટિક્સ' નામની નકલી કંપની બનીને પીડિતને ફોન આવ્યો કે તમારી ગિફ્ટ એરપોર્ટ પર ફસાઈ છે.
- વિવિધ ચાર્જીસના નામે લૂંટ: કસ્ટમ ડ્યુટી, ઇનકમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝન ફીના નામે પીડિત પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં કુલ ₹14.09 લાખ પડાવી લેવામાં આવ્યા.
📚સાયબર પોલીસની તપાસ: કેવી રીતે પકડાઈ આરોપી? | Police investigation
અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે ટેકનોલોજીની મદદથી આ કેસ ઉકેલ્યો હતો:
- ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ: પોલીસે આઈપી એડ્રેસ (IP Address) અને ગૂગલ લોગિન ડેટા દ્વારા આરોપીનું લોકેશન ગુરુગ્રામ, હરિયાણા શોધી કાઢ્યું.
- નકલી પાસપોર્ટ: મહિલા પાસેથી દક્ષિણ આફ્રિકાનો નકલી પાસપોર્ટ મળી આવ્યો હતો, જેનો ઉપયોગ તે સિમ કાર્ડ અને બ્રોડબેન્ડ કનેક્શન લેવા માટે કરતી હતી.
- વિઝા ઓવરસ્ટે: તપાસમાં બહાર આવ્યું કે તે માત્ર 90 દિવસના મેડિકલ વિઝા પર ભારત આવી હતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર રીતે રહીને સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતી હતી.
તમારી સુરક્ષા માટે સાવચેતીના મુદ્દા
આ કિસ્સા પરથી આપણે શું શીખવું જોઈએ?
- કસ્ટમ ડ્યુટી ક્યારેય પ્રાઈવેટ ટ્રાન્સફરથી નથી ભરાતી: ભારતનું કસ્ટમ વિભાગ ક્યારેય ફોન કરીને વ્યક્તિગત બેંક ખાતામાં પૈસા જમા કરાવવા કહેતું નથી.
- અજાણ્યા મિત્રોથી સાવધ રહો: સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યો વ્યક્તિ મોંઘી ગિફ્ટ મોકલવાની વાત કરે, તો તે 100% ફ્રોડ હોઈ શકે છે.
- તરત રિપોર્ટ કરો: જો તમારી સાથે આવી કોઈ ઘટના બને, તો તુરંત 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો
નિષ્કર્ષ:
અમરેલી કોર્ટનો આ ચુકાદો સાયબર ગુનેગારો માટે એક મોટો ફટકો છે. સાત વર્ષની જેલની સજા એ સાબિત કરે છે કે ભલે ગુનેગાર સ્ક્રીનની પાછળ છુપાયેલો હોય, પણ કાયદાના હાથ લાંબા છે.


Welcome to the lexedge, please don't spam in comments.